વચનામૃત વરતાલનું - ૧૫
સંવત ૧૮૮૨ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા અને કિનખાપનો સુરવાળ ને ડગલી પહેર્યાં હતાં અને મસ્તક ઉપર મોટા સોનેરી છેડાનું ભારે કસુંબલ શેલું બાંધ્યું હતું અને મોટા મોટા સોનેરી છેડાનું કસુંબલ શેલું ખભા ઉપર વિરાજમાન હતું અને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમામાં શોભરામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે તે અનાદિકાળના છે કે કોઈક યોગે કરીને થયા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો જીવ માયાને વિષે સત્તામાત્ર હતા, પછી એ જીવ જેવાં કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. (૧) જેમ જય-વિજય ભગવાનના પાર્ષદ હતા તેણે સત્પુરુષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે અસુર ભાવને પામી ગયા, અને પ્રહ્લાદજી દૈત્ય હતા, તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાણા, માટે મોટાપુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે. પણ બીજું દૈવી-આસુરી થવાનું કારણ નથી, માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૫।। (૨૧૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવ પ્રથમ માયાને વિષે સત્તામાત્ર એટલે કર્મ વિનાના હતા તે જેવાં જેવાં કર્મ કરે છે તેવા તેવા ભાવને પામે છે. (૧) અને જેના ઉપર મોટાપુરુષનો કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, ને મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે, માટે જેને કલ્યાણ ઇચ્છવું તેને અમારા ભક્તનો દ્રોહ કરવો નહીં. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જીવ માયાને વિષે સત્તામાત્ર હતા એમ કહ્યું, અને (સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં) પાંચ સાધને યુક્ત થાય તે આત્મસત્તાને પામે છે; એમ કહ્યું તે આત્મસત્તા કઈ જાણવી ? અને આમાં કહી તે કઈ જાણવી ?
૧ ઉ. આમાં કર્મે રહિત એટલા જ સત્તારૂપ કહ્યા છે, અને (સા. ૧૧માં) તો શ્રીજીમહારાજના તેજરૂપ સત્તા કહી છે. માટે આમાં કહી તે અને (સા. ૧૧માં) કહી તે એક નથી.
૨ પ્ર. બીજી બાબતમાં મોટાપુરુષનો કોપ એ જ આસુરી થવાનું કારણ કહ્યું, અને (વ. ૭ના પહેલા પ્રશ્નમાં) દૈવી ને આસુરી બે પ્રકારના જીવ અનાદિ છે, એમ કહ્યું તે કેમ સમજવું ?
૨ ઉ. પ્રથમ તો જીવ સત્તામાત્ર કર્મ વિનાનો હોય પણ પછી જ્યારે સૃષ્ટિમાં આવીને કર્મ કરે છે ત્યારે જો મોટાપુરુષ કુરાજી થાય એવું કર્મ કરે તો તે આસુરી થાય છે, ને રાજી થાય એવું કર્મ કરે તો દૈવી થાય છે, માટે મોટાપુરુષના કોપથી જ પ્રથમ આસુરી થયેલા તેની વાત (વ. ૭માં) કહી છે, પણ સૃષ્ટિમાં આવીને કર્મ કર્યા વિના આસુરભાવ નહોતો, માટે સૃષ્ટિમાં આવ્યા પછી આસુરી થયેલા જાણવા, પણ સૃષ્ટિ પહેલાં માયામાં હતા ત્યારે બે પ્રકારના હતા એમ ન જાણવું. ।।૧૫।।